ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ/પ્રવેશ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પ્ર વે શ

આ ગ્રંથમાં ઈ. સ. ૧૮૫૭થી ૧૯૯૧ સુધીના ગુજરાતી ભાષા સાહિત્યના ૪૬૪ પીએચ. ડી. મહાનિબંધો રજૂ કરવામાં આવ્યા છે. ૧૬ વર્ષ અગાઉ, આ પ્રકારનો મારો એક સૂચિગ્રંથ પ્રગટ થયો હતો. એમાં ઈ.સ. ૧૯૭૭ સુધીનાં ૧૨૧ વર્ષના કુલ ૩૪૪ મહાનિબંધો હતા, જેમાં ગુજરાતી ભાષા-સાહિત્યના પીએચ. ડી. મહાનિબંધોની સંખ્યા ૨૩૯ હતી. એ ઉપરાંત, એ ગ્રંથમાં પ્રાકૃત, અપભ્રંશ અને એમ. ફિલ. વગેરે પદવીઓના કુલ ૧૦૫ મહાનિબંધો હતા. પ્રસ્તુત ગ્રંથમાં માત્ર ગુજરાતી ભાષા-સાહિત્યના અગાઉના ૨૩૯ પીએચ. ડી. મહાનિબંધો લીધા છે ને એમાં એ પછીના ૧૪ વર્ષના ગાળાના ૨૨૫ મહાનિબંધો ઉમેર્યા છે. ગુજરાતી મહાનિબંધોની આ આંકડાકીય માહિતી એ દર્શાવે છે કે, ૧૪ વર્ષના બીજા તબક્કામાં ગુજરાતી ભાષા-સાહિત્યના સંશાધનક્ષેત્રે સરેરાશ ૮૦૦ ટકાની વાર્ષિક વૃદ્ધિ થઈ છે! આ વૃદ્ધિ દ્વારા એ સિદ્ધ થાય છે કે આપણો સંશોધન પ્રેમ રૉકૅટ ગતિએ ફાલ્યો-ફૂલ્યો છે! અને જો આપણા આ મહાનિબંધો ગુણવત્તામાં પણ એવી જ સમૃદ્ધિ દર્શાવતા હોય, તો આ બાબત ખરેખર અભિનંદનીય ગણાય, નોંધપાત્ર ગણાય. આ સંદર્ભગ્રંથ આપણાં સંશોધનોની વિકાસકૂચ નીરખવા, એની ઇયત્તા મૂલવવા, યોગ્ય વિષયની પસંદગી કરવા તેમ જ પુનરાવર્તન ટાળવા ઉપયોગી થઈ શકે છે. વળી આ ગ્રંથના અંતે સંશોધકસૂચિ, અને વિષયસૂચિ પણ શામિલ કરવામાં આવી છે. એ સૂચિ સંશોધન-માર્ગદર્શન અને વિષયસંપર્ક કેળવવામાં ઉ૫યેગી થઈ શકે. મૌલિક્તા એ સંશોધનનો મુખ્ય આધારસ્તંભ છે. સંશોધનનો અર્થ જ એ થાય છે કે પસંદ કરવામાં આવેલ વિષયમાં નવી શોધ, નવું પ્રદાન, નવો દૃષ્ટિકોણ. આથી, જે વિષયમાં અગાઉ કામ થઈ ગયેલું હોય, એ વિષય ફરી વાર ત્યારે જ પસંદ કરવો જોઈએ, જો એમાં કંઈ નવું પ્રતિપાદિત કરવાનું હોય. અન્યથા અગાઉના વિષયનું પુનરાવર્તન કરવાનો અર્થ થશે — યથાશીઘ્ર ડિગ્રી મેળવીને આર્થિક લાભો સંચિત કરવાની વ્યાપારી વૃત્તિ! અને આ વૃત્તિ સાહિત્યને કોઈ પણ રીતે ઉપકારક નીવડવાને બદલે અપકારક નીવડશે. આપણી યુનિવર્સિટીઓ અને સાહિત્ય-સંશોધનની સંસ્થાઓ આંખો મીંચીને સંશોધન-પ્રવૃત્તિઓમાં ગળાડૂબ છે! એમને હજી સુધી એ પ્રતીતિ થઈ નથી કે આ પ્રવૃત્તિના સ્વસ્થ વિકાસ માટે સંદર્ભ માર્ગદર્શન અને સંકલન એ એક પાયાની જરૂરિયાત છે. આ ગ્રંથ એમને એ પ્રતીતિ કરાવવામાં અને આ દિશાની ખૂટતી કડી પૂરી કરવામાં સહાયભૂત થશે એવી આશા છે. આ ગ્રંથની માહિતીનો સંચય કરવામાં જે મિત્રોનો સહકાર મળ્યો છે એ બધાનો હું આભારી છું. અને આ ગ્રંથ પ્રગટ કરવા માટે ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાય મળી છે, એ માટે હું એ સંસ્થાનો ખૂબ આભારી છું. ડૉ. હરિવલ્લભ ભાયાણીએ મને આ વિષયના પ્રથમ સંદર્ભગ્રંથ માટે જે પ્રેરણા આપી હતી એ હજી ખૂટી નથી એનો મને આનંદ છે. આ ગ્રંથના પ્રકાશનમાં પણ મેં એમનો આશીર્વાદ અનુભવ્યો છે. એમની એ સદ્ભાવના માટે હું એમનો ઋણી છું.

—પ્રકાશ વેગડ