સાહિત્ય પલ્લવ – ભાગ ૩/આંધી

From Ekatra Foundation
Revision as of 10:33, 19 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧. આંધી

રામપ્રસાદ શુક્લ

[સ્ત્રગ્ધરા]

વિશ્વોના ગોળ ફૂટે, ગ્રહગણ ગબડે, ધૂમકેતુ વછૂટે
ને આખી યે ધરિત્રી ધણધણી ઊઠતી કારમાં કમ્પનોથી,
અદ્રિનાં શૃંગ તૂટે, સરિતગણ છળે, વાયુનાં વ્હેણ ગાજે,
સિન્ધુમાં આભ ડૂબે, સકળ દિશ તણી ચેતનાઓ હરાતી.
શું આ અંધારસેના, યમગણ ઊમટ્યાં, સૃષ્ટિનાં પાપ રૂઠ્યાં?
વહ્નિજાળે પ્રજાળે અસત-સતતણા પુંજને એક સાથે?
વિશ્વે આંધી ચડી કે પ્રલય શરૂ થયો, રુદ્રનું નેત્ર ખૂલ્યું.
કે આ સંઘર્ષણોમાં મતિ ગતિ થિર ના માનવીનાં રહે છે?
ના એ આંધી, નથી એ પ્રલય, નહિ વળી રુદ્રનું નેત્ર ખૂલ્યું,
ઉત્ક્રાન્તિની સવારી અદમ અજય એ વિશ્વમાંગલ્યભર્ત્રી.
આજે એના મુખે છો કપરી પ્રસવની વેદના ને અશાંતિ,
જેથી સંક્ષુબ્ધ ભાસે તદૃપિ ઝળહળે ભાવિ એનું પ્રસન્ન.
જાડ્યે આભાસ શાંતિ, સબલ વિમલ સત્ શાન્તિ ઉત્ક્રાન્તિ કેરી,
કૂડા સંઘર્ષ વામી મનુજ હૃદયના ભાવનું ઐક્ય થાયે.