રણજિતરામ ગદ્યસંચય – ૧/કેળવણી વિષે ટૂંકાં ટિપ્પણો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કેળવણી વિષે ટૂંકાં ટિપ્પણો

[૧]

અંગ્રેજી ભાષાનું જ્ઞાન આધુનિક સમયમાં ઉપયોગી ગણાય છે. તે રાજભાષા છે એટલું જ નહીં પણ વિશ્વભાષા જેવી છે. દેશપરદેશમાં ગમે ત્યાં દુનિયામાં જાઓ ત્યાં એ ભાષા આવડતી હશે તો ઘણી અગવડો ભોગવવી નહીં પડે. ગુજરાતી જેવા વેપારી લોકોમાં એ ભાષાનો વિસ્તૃત પ્રસાર થવાની ખાસ અગત્ય છે. ગુજરાતના જે લોકો વેપાર અને ઉદ્યોગમાં પડેલા છે તેઓ અંગ્રેજી ભાષા અને તેમાં લખાયેલા સાહિત્યથી વાકેફગાર હોત તો આજે એમણે વેપારમાં પરદેશી વેપારીઓને હંફાવી દીધા હોત અને દુકાનદારી કરી નિર્વાહ કરે છે તેને બદલે વણિગ્રાજની પ્રતિષ્ઠા પામ્યા હોત; અને હિંદુસ્તાનમાં આજે કેટલાયે નવા ઉદ્યોગો એમને હાથે ચાલતા હોત. યુરોપના વર્તમાન મહાવિગ્રહને લીધે ઘણી વસ્તુ આપણા દેશમાં આવતી બંધ થઈ ગઈ છે એટલે તેમની મોંઘવારી આપણા અનેક સુખસગવડનો ભંગ કરે છે તે દિવસ તો ન આવત. ગુજરાતમાં જ્યાં જ્યાં નિશાળો હોય ત્યાં ત્યાં અંગ્રેજી શીખવવાની તજવીજ સરકારે અથવા ધનાઢ્ય ગુજરાતીઓએ કરવાની ખાસ અગત્ય છે. આ સંબંધમાં બે-ત્રણ સંસ્થાઓમાં અંગ્રેજી દાખલ કરવાના પ્રશ્ન વિશે ટૂંકી ચર્ચા આ પરિચ્છેદનો વિષય છે. ક. પ્રાથમિક નિશાળોમાં ગુજરાતી સાતમી ચોપડી લગી શીખવાય છે. જેમને અંગ્રેજી શીખવું હોય છે તેઓ ચોથી ચોપડી પૂરી કરી અંગ્રેજી નિશાળોમાં જાય છે અને ત્યાં અંગ્રેજીની સાથે બીજા વિષયો શીખે છે. આમાંના ઘણા વિષયો હાઈસ્કૂલમાં તેમને પાછા અંગ્રેજી મારફત શીખવા પડે છે એટલે એમની શક્તિ ખીલવાને બદલે કરમાવાનો વધારે સંભવ રહે છે. હવે સાત ચોપડીવાળી નિશાળોમાં અંગ્રેજી બીજી ભાષા તરીકે પાંચમી ચોપડીથી શીખવાય તો વિદ્યાર્થી સાતમી ચોપડીની સાથે ત્રીજી અંગ્રેજી ચોપડી પૂરી કરશે. આ વિદ્યાર્થી હાઈસ્કૂલમાં દાખલ થયા પછી તેનું અંગ્રેજી સહેજ કાચું લાગે તો તેના પર અધિક ધ્યાન આપવાથી ચારને બદલે ત્રણ વર્ષમાં સુખેથી મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી શકે. ભાવનગર શહેરમાં ગુજરાતી નિશાળમાં અંગ્રેજી બીજી ભાષા તરીકે શીખવાય છે તેમ ચોથી ચોપડીમાંથી ઊઠી ઍંગ્લો વર્નાક્યુલર સ્કૂલમાં ભણનાર પણ છે. ચોથા ધોરણમાં બન્ને નિશાળમાંથી આવનારા વિદ્યાર્થીઓમાં ગુજરાતીવાળા બીજા બધા વિષયોમાં હોંશિયાર હોય છે માત્ર અંગ્રેજીમાં કાચા હોય છે. એંગ્લો વર્નાક્યુલરમાંથી આવનારા અંગ્રેજીમાં પ્રવીણ હોય છે ત્યારે બીજા વિષયોમાં કાચા હોય છે. ગુજરાતી નિશાળ અને હાઈસ્કૂલ વચ્ચે એકદિલી હોય તો જે કાંઈ ખામીઓ આ વ્યવસ્થામાં રહેવાનો સંભવ છે તે દૂર થઈ શકે. હાઈસ્કૂલમાં જે વિદ્યાર્થીઓ આવી રીતે શીખીને ગુજરાતી નિશાળમાં આવે ત્યારે તેમનું અંગ્રેજી શિક્ષણ સંગીન કરવા ખાસ વ્યવસ્થા કરવી જોઈએ. એથી શિક્ષકનું કામ વધવાનું નથી. વર્ગમાં શીખવવાના બીજા વિષયોમાં વિદ્યાર્થી કાબેલ હોવાથી એ રીતે જે વખત બચે તે અંગ્રેજી પાકું કરવામાં ગાળવાનો છે. વિદ્યાર્થીની બુદ્ધિ પણ ખીલેલી હોવાથી અંગ્રેજી પાકું કરતાં તેને વાર નહીં લાગે. બીજો ફેરફાર કરવાનો તે ગુજરાતી નિશાળના હેડમાસ્તર તરીકે ગ્રેજ્યુએટની નિમણુક થવી જોઈએ. આવા ગ્રેજ્યુએટને એક વર્ષ ટ્રેનિંગ કૉલેજમાં તાલીમ આપવાની જરૂર છે. આવા ટ્રેન્ડ ગ્રેજ્યુએટ હેડમાસ્તર હશે તો નિશાળમાં અંગ્રેજી કાચું રહેવાનો સંભવ નહીં રહે. આવી સંકલના થવાથી વિદ્યાર્થીઓની બુદ્ધિ ખીલશે અને મૅટ્રિકની પરીક્ષા ઓછાં વર્ષમાં અને વધારે સંગીન જ્ઞાનથી તેઓ આપી શકશે. ખ. ગુજરાતમાં સંસ્કૃત પાઠશાળાઓની સંખ્યા સારી પેઠે છે. માત્ર સંસ્કૃત શીખીને તેઓ પોતાનો નિર્વાહ યથાર્થ કરી શકતા નથી. પણ જો તેઓ ત્રણ ચાર ચોપડી અંગ્રેજીની શીખ્યા હોય તો તેમને ઘણો લાભ થાય. (૧) હાઈસ્કુલમાં સંસ્કૃત શિક્ષક તરીકે તેઓ કામ કરી શકે. (૨) પાઠશાળામાંથી નીકળ્યા પછી શાસ્ત્રી તરીકે કામ કરતા હોય ત્યારે અંગ્રેજી જ્ઞાન વધારી શકે તો અંગ્રેજી વિદ્યા અને સંસ્કૃત વિદ્યાનો મુકાબલો કરવાથી એમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય. એવી સ્થિતિમાં તેઓ અંગ્રેજી ભણેલાઓ પાસે સન્માન મેળવી શકશે; અને એ રીતે પોતાની પ્રતિષ્ઠા વધારી શકશે. (૩) સારા સંજોગ પ્રાપ્ત થતાં પોતાનું અંગ્રેજી જ્ઞાન વધારવાની જેમને વૃત્તિ થાય તેઓ થોડું અંગ્રેજી ભણેલા હશે તો તેમ કરી શકી પોતાની સ્થિતિ સુધારી શકશે. હાઈસ્કૂલો અથવા એંગ્લો વર્નાક્યુલર સ્કૂલોમાં અંગ્રેજી માત્ર શીખવા તેઓ જઈ શકે એવો બંદોબસ્ત હોય અથવા રાત્રિશાળા દ્વારા અંગ્રેજી તેમને શીખવી શકાય તો ઉપર વર્ણવેલ લાભ થાય. ગ. પુરુષોની અને સ્ત્રીઓની ટ્રેનિંગ કૉલેજમાં અંગ્રેજીનું શિક્ષણ દાખલ કરવાની અગત્ય છે. અંગ્રેજી સાહિત્ય વિશાળ છે. ગુજરાતી સાહિત્યની હાલની કંગાળ સ્થિતિમાં શિક્ષકો અંગ્રેજી અથવા સંસ્કૃત સાહિત્યના પરિચયમાં હોય તો તેમની બુદ્ધિ નિરંતર ખીલતી રહેવાનો સંભવ છે. શિક્ષકની બુદ્ધિ ખીલતી રહે તે દેશનાં બાળકોનું શિક્ષણ ઉત્તમ કરી શકે એ નિઃસંદેહ છે. અત્યારે આપણા દેશમાં જે રાજકીય અને આર્થિક વ્યવસ્થા કે ઊથલપાથલ થતી જાય છે, તેમાં રસ લેવો હોય અથવા સામીલ થવું હોય તો અંગ્રેજી સાહિત્યના જ્ઞાનની અગત્ય છે. આપણા દેશના ભવિષ્ય માટે જે અભિલાષો આપણા સુશિક્ષિત વર્ગમાં થનથનાટ કરી રહેલા છે તે જ્યાં લગી ગામડાંઓમાં પણ આદર નહીં પામે ત્યાં લગી સમગ્ર રચના પાયા વિનાની થવાની દહેશત છે. ગામડાંઓમાં જ્ઞાનનો પ્રદીપ મહેતાજી છે. તેનું જ્ઞાન જેમ વધારે અને સંગીન તેમ ગામડાની પ્રગતિ વહેલી અને વેગભરી થશે. શિક્ષકને અંગ્રેજી આવડતું હશે તો ગામડાંઓમાં અંગ્રેજી શિક્ષણનું પ્રસારણ પણ વહેલું અને વધારે થઈ શકશે. આ ઉપરાંત ટ્રેનિંગ કૉલેજમાં પાસ થયેલા વિદ્યાર્થીને ત્રણચાર અંગ્રેજી ચોપડી આવડતી હશે તો એક બે વર્ષમાં અંગ્રેજી પાકું કરી તે મૅટ્રિક થઈ શકશે. એ રીતે પોતાની સ્થિતિ સુધારી શકશે. જો શિક્ષણખાતામાં જ રહેશે તો શિક્ષણને એના ઊંચા જ્ઞાનથી લાભ થશે.

[ર]

જગતના ઇતિહાસમાં કોઈ દિવસ ન બનેલો બનાવ આપણા દેશમાં બને છે. આપણે આપણું શિક્ષણ જન્મભાષા દ્વારા નહીં પણ પરભાષા દ્વારા લઈએ છીએ. આ પરભાષા આપણી ભાષા સાથે બિલકુલ સગપણવાળી નથી. બંન્નેનાં વ્યાકરણ, રૂઢિ, રીતિ, આત્મા તદ્દન નોખાં છે. આવું છતાં આપણી જન્મભાષાનો ત્યાગ કરી એ ભાષા મારફત શિક્ષણ લેવું પડે છે તેનાં બે મુખ્ય કારણ છે : (ક) અંગ્રેજી રાજભાષા છે; એનું સાહિત્ય વિશાળ છે. જગતના નિરનિરાળા સાહિત્યના ઉત્તમ ગ્રંથોના એ ભાષામાં તરજુમા થયેલા છે. આધુનિક કાળમાં એ ભાષાના જ્ઞાનથી દુનિયામાં પુષ્કળ સગવડ પ્રાપ્ત થાય છે. (ખ) આપણી જન્મભાષા એને મુકાબલે દરિદ્ર છે. એના વ્યવહારનો પ્રદેશ સંકુચિત છે. આવી સ્થિતિમાં નવમે વર્ષે આપણે જન્મભાષાના શિક્ષણનો ત્યાગ કરી અંગ્રેજી શીખવા માંડીએ છીએ અને એ ભાષા દ્વારા ઊંચામાં ઊંચું જ્ઞાન સંપાદન કરીએ છીએ. પરિણામ એ આવ્યું છે કે અમારી જન્મભાષા તરફ અમને મમતા નથી રહી. નિરંતર અમારે એનો ઉપયોગ હોવાથી અમે એને વળગી રહ્યા છીએ. અંગ્રેજીનું જ્ઞાન દેશમાં સર્વત્ર ન ફેલાયું હોવાથી અમારે એનો નછૂટકે વપરાશ રાખવો પડે છે. પણ સર્વે સુજ્ઞ વિચારકોને જન્મભાષાની અધમ સ્થિતિ સંતપ્ત કરે છે. તેની ખીલવણીની તેઓને અતિશય આવશ્યકતા લાગે છે. (૧) ભાષા એ પ્રત્યેક પ્રજાની સંસ્કૃતિનું માપ છે. આપણા સંસ્કારોના વિકાસ સાથે ભાષાનો પણ વિકાસ ન થાય તો પ્રજાના જીવનમાં જબરો અંતરાય પડી જાય. દરેકમાં વિચારક વર્ગ હોય છે તે ભાષા અને સાહિત્ય પર પોતાના વિચારોનો પ્રભાવ પાડે છે અને એ પ્રભાવ ભાષા દ્વારા પ્રાકૃત વર્ગ પર પડે છે. હવે આપણે ત્યાં વિચારો અંગ્રેજીમાં જ થયા કરે — જન્મભાષામાં ન થાય, જન્મભાષાના વિકાસના પ્રેરક તે ન નીવડે તો આપણો પ્રાકૃત વર્ગ કેવી અધમ સ્થિતિમાં રહેવાનો? વધારામાં આપણી પ્રજામાં બે ભાગ નિરાળા પડતા જવાના અને તેમની વચ્ચેનું અંતર રોજ વધતું જવાનું. આ સ્થિતિ ઉચિત છે? સુખપ્રદ છે? શાંતિજનક છે? (૨) પોતાની જ ભાષા દ્વારા શિક્ષણ લેવાનું હોય તો બુદ્ધિને શ્રમ પડતો નથી. પ્રત્યેક પ્રજાની સર્વે ખાસિયતો તેમની ભાષામાં વસેલી હોય છે. એટલે એ ભાષા દ્વારા શીખતાં – બુદ્ધિને ખીલવતાં ઘણી સુગમતા પડે છે. કાચી વયમાં પરભાષા શીખવી પડે અને તે પણ પોપટની પેઠે, તો પછી બુદ્ધિનો વિકાસ સંકોચ પામે જ. વળી તે ભાષા જ શીખવામાં સાત આઠ વર્ષ, અને તે પણ ખીલતા કૌમાર્યનાં અમૂલ્ય વર્ષો ગાળવાં પડે તો કુલ સરવાળે પ્રજાની જ્ઞાનવૃદ્ધિ હાનિ પામવાની. પ્રજાનો બુદ્ધિપ્રભાવ જેટલા ગૌરવથી પ્રકટવો જોઈએ તે આવી પરિસ્થિતિમાં પ્રકટતો નથી. (૩) પરભાષાનો ગમે તેટલો પ્રચાર વધે છતાં તે હંમેશ પર જ રહેવાની અથવા લાગવાની. પર પ્રત્યે જે વિરોધ મનુષ્યસ્વભાવમાં રહેલો છે તે વિરોધનો ભોગ એની મારફત લીધેલું જ્ઞાન પણ થવાનું. સ્વભાષા મારફત એ જ જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે તો આવો પ્રસંગ ઊપજે નહીં. આપણી જન્મભાષાની સ્થિતિ કંગાળ છે તેનું એક મુખ્ય કારણ એ દ્વારા શિક્ષણ નથી મળતું તે છે. જો શિક્ષણ મળતું હોય તો પાઠ્યપુસ્તકોની ન્યૂનતા ક્યારની દૂર થઈ હોત. બીજું જન્મભાષામાં જ વિચાર કરવાની ટેવ પડી હોત તો પોતાનાં જ્ઞાન અથવા બુદ્ધિના વિકાસના પ્રમાણમાં જન્મભાષામાં ગ્રંથો લખવા ઘણા વિદ્વાનો પ્રેરાત; હાલ તો એમની સ્થિતિ કફોડી છે. વિચાર પરભાષામાં કરવો અને જે ભાષામાં લખવું હોય તે ભાષા આવડે નહીં. જન્મભાષાને શિક્ષણમાં સ્થાન આપવાનો પ્રશ્ન બે રીતે વિચારાય છે. (૧) શિક્ષણના અનેક વિષયો છે તેમાં એનો એક વિષય ઉમેરવો. જ્યારથી જન્મભાષાનું જ્ઞાન પડતું મૂકવામાં આવે છે, ત્યારથી માંડીને જ્યાં લગી ઊંચામાં ઊંચું જ્ઞાન મેળવાય છે ત્યાં લગી જન્મભાષા અને તેના સાહિત્યનું શિક્ષણ પ્રત્યેક વિદ્યાર્થીને માટે ફરજિયાત થવું જોઈએ. એંગ્લો વર્નાક્યુલર સ્કૂલ, હાઈસ્કૂલ, કૉલેજ (પછી તે આર્ટ્સ, ખેતી, દાક્તરી, ઇજનેરી, વેપારી હોય,) ઔદ્યોગિક કે લલિતકલાના શિક્ષણની સંસ્થાઓ – સર્વત્ર આ શિક્ષણ ફરજિયાત રાખવું જોઈએ. આથી ઘણો ફેર પડી જશે. જન્મભાષાનું વિસ્મરણ થશે નહીં. એના સંસ્કારો પડશે અને માત્ર પરભાષામાં જ નહીં પરંતુ પોતાની ભાષામાં વિચાર કરવાની ટેવ પડશે. વર્તમાન સ્થિતિમાં ગુજરાતમાં જન્મભાષાનું શિક્ષણ કેવું અપાય છે? મૅટ્રિક લગી વિષય તરીકે એને શીખવવી એવું વિધાન છે પરંતુ ખુદ મૅટ્રિકની પરીક્ષામાં એને સ્થાન ન હોવાથી એના શિક્ષણ માટે રખાવવી જોઈએ એટલી કાળજી નથી રખાતી. લેખન ઉપર જેટલું ધ્યાન આપવું જોઈએ તેટલું અપાતું નથી. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં તરજુમો કરતી વખતે એવું ખરાબ ગુજરાતી વપરાય છે કે સંસ્કારી વિદ્યાર્થીની પણ ભાષા બગડી જાય. કૉલેજમાં તો બિલકુલ શીખવાતું નથી. માત્ર એમ. એ.માં ઐચ્છિક વિષય તરીકે એનું સ્થાન છે. એ રીતે પણ ઘણા ગુજરાતી વિદ્યાર્થીઓ તે શીખવા તત્પર થતા નથી. ગુજરાતી લઈને એમ. એ. થયેલા વિદ્યાર્થીનું ભવિષ્ય સુધરતું નથી પણ ઊલટું બગડે છે. સંસ્કૃત, ઇતિહાસ અથવા બીજા કોઈ વિષયથી તે પાસ થયો હોય તો પ્રોફેસર થવાનો સંભવ રહે છે પરંતુ ગુજરાતીવાળા એમ. એ. ને માટે ભાષાભિમાનની વૃત્તિના તર્પણ સિવાય બીજો લાભ નથી. નાનપણમાં જે ભાષાનો અભ્યાસ છોડી દીધેલો તેનો ઠેઠ મોટી ઉંમરે શાસ્ત્રીય અભ્યાસ કરવો એ સહેલું નથી. એ અભ્યાસ માટે જોઈતાં સાધનો તૈયાર કરવામાં મુંબઈ યુનિવર્સિટી, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ફાર્બસ સભા અને વડોદરા રાજ્યે બહુ જ બેદરકારી બતાવી છે. અધૂરામાં પૂરું આપણા જે વિદ્વાનો પરીક્ષકો થાય છે તે બહુ કડક છે અને પરીક્ષાનું ધોરણ બહુ ઊંચું રાખે છે. પોતાના જેટલી વિદ્વત્તાની અપેક્ષા પરીક્ષાર્થીઓ પાસે રાખે છે. આ સર્વ વસ્તુસ્થિતિમાં જલદી ફેરફાર થવાની જરૂર છે. (૨) શિક્ષણ જ જન્મભાષા દ્વારા આપવું એ પ્રશ્ન વિકટ છે અને મતભેદવાળો છે. આમાં એક વાત થઈ શકે. નીચેથી શરૂઆત કરતાં આવવું. જે જે ન્યૂનતા હશે તે એટલા વખતમાં પુરાઈ જશે. પહેલાં ઍંગ્લો વર્નાક્યુલર અને હાઈસ્કૂલોમાં શરૂઆત થઈ શકે. મૅટ્રિકમાં અને પછી રફતે રફતે કૉલેજોની પરીક્ષામાં જન્મભાષા દ્વારા પરીક્ષા આપવાની છૂટ મુકાય. અંગ્રેજી ભાષાના સંપૂર્ણ પ્રભુત્વની જરૂરિયાત ઓછી કરવી જોઈએ. ભાષાજ્ઞાન કરતાં બુદ્ધિવિકાસ ઉપર વિશેષ લક્ષ અપાવું જોઈએ. હાલ જેટલો સમય અંગ્રેજી શીખવા પાછળ ગળાય છે તેટલા વિશાળ સમયમાં અંગ્રેજી સંગીન શીખાતું નથી તેનાં કારણોની તપાસ થવી જોઈએ. જે વાંધાઓ હોય તે દૂર કરવામાં આવે અને સાથે સાથે ઓછા વખતમાં અંગ્રેજી સંગીન શીખવવાનો બંદોબસ્ત કરવામાં આવે તો ફરિયાદ કરવાનું રહેશે નહીં. જન્મભાષાનો અભ્યાસ અને જન્મભાષા દ્વારા અભ્યાસના પ્રશ્નો હિંદુસ્તાનમાં હમણાં હમણાં જોશથી ચર્ચાય છે. કર્વેના મહિલા વિશ્વવિદ્યાલયમાં તો જન્મભાષા દ્વારા જ શિક્ષણ માટે નિમાયેલી કમિટીએ પણ એવી જ ભલામણ કરી છે. એ જ પ્રશ્નના સંબંધમાં પંજાબમાં સરકાર તરફથી એક સભા મળવાની છે. બંગાળામાં મૅટ્રિક્યુલેશનમાં અને કૉલેજની ઈંટરની પરીક્ષામાં જેમની મરજી હોય તેઓ બંગાળી ભાષામાં કેટલાક વિષયોના પ્રશ્નોના ઉત્તરો આપી શકે છે એવું સાંભળ્યું છે. બંગાળી ભાષા દ્વારા વૈદ્યકનું શિક્ષણ ફેલાવવા બંગાળીઓ જબરી ચળવળ કરે છે. વડોદરામાં કલાભવન સ્થપાયું ત્યારે જન્મભાષા દ્વારા જ શિક્ષણ આપવાનો બંદોબસ્ત થયો હતો. જન્મભાષાનું શિક્ષણ સંગીન થશે તો તેમના સાહિત્યને લાભ થશે. હાલ જેમને તેનો બિલકુલ અભ્યાસ નથી હોતો એવા અંગ્રેજી અને સંસ્કૃતના અભ્યાસને બળે તેમાં ગ્રંથો લખવા માંડે છે અને જન્મભાષાનો અભ્યાસકાળમાં નિરંતર પરિચય રહેવાથી તેમાં લખાયેલા ગ્રંથો વાંચવાની અભિરુચિ રહેશે. વાચકવર્ગ વધારે સંસ્કારી, રસિક અને વિદ્વાન તેમ સાહિત્યસૃષ્ટિ પણ ઉન્નત થશે. આશ્રય અને ઉત્તેજન પણ પ્રમાણમાં વધવાનાં એટલે જન્મભાષાના સાહિત્યની વિવિધ સમૃદ્ધિ પણ વધવાની.

[૩]

સંસ્કૃત પાઠશાળાઓ આપણે ત્યાં ભિન્ન ભિન્ન ઉત્પત્તિવાળી છે. જુદાં જુદાં ગામો જ્યાં બ્રાહ્મણોની વસ્તી વધારે હોય છે, ત્યાં ત્યાં બ્રાહ્મણોની નિરનિરાળી જ્ઞાતિઓનાં બાળકોને સંધ્યાદિ શીખવવા માટે પુષ્કળ પાઠશાળાઓનો નિભાવ છે, તે સિવાય કેટલાંક દેશી રાજ્યો અને અમદાવાદ, સુરત, મુંબઈ જેવાં મોટાં નગરોમાં ઊંચા શિક્ષણની પાઠશાળાઓ હોય છે. ત્યાં માત્ર બ્રાહ્મણનાં બાળકોને સંસ્કૃત શીખવવામાં આવે છે. વ્યાકરણ, કાવ્ય, ભાગવત, મહાભારત, રામાયણ, ન્યાય અથવા વેદાંત ત્યાં શીખવવામાં આવે છે. જેમને વધારે શીખવાની ઇચ્છા હોય છે તેઓ કાશી જાય છે. જેઓ પાઠશાળામાં અભ્યાસ કરે છે તેમને ભવિષ્યમાં બહુ ઊજળા લાભ પ્રાપ્ત થતા નથી. તેઓ બીજી સંસ્કૃત પાઠશાળાઓમાં શાસ્ત્રી તરીકે રહે છે; કથા વાંચી પોતાનો નિર્વાહ કરે છે; મુદ્રાયંત્રોના માલિકો માટે સંસ્કૃત ગ્રંથોનાં ભાષાંતર કરે છે; વખતે હાઈસ્કૂલોમાં સંસ્કૃત શિક્ષકનું કામ કરે છે. અમુક પ્રકારના મમત્વથી — અમે બ્રાહ્મણો છીએ, અમારા પૂર્વજોએ સંસ્કૃત વિદ્યા સંપાદન કરી નિર્વાહ કર્યો હતો, અમારાથી મ્લેચ્છ ભાષા શીખાય નહીં, વગેરેથી ઉત્પન્ન થયેલી મમતથી ઘણા વિદ્યાર્થીઓ આ શાળાઓમાં જાય છે. વળી બ્રાહ્મણોને ભિક્ષા માગવાની છૂટ હોવાથી ભણવાને બદલે ઘણા બ્રાહ્મણબટુકો ઉદરનિર્વાહ માટે ભિક્ષા મેળવી પોતાનો બાકીનો વખત નિરૂદ્યમમાં અને રમતગમતમાં ગાળે છે. ઉંમર મોટી થતાં ભણવાની જરૂર લાગે છે — ભિખારીને કોઈ કન્યા ન આપે એવા પ્રસંગે ક્યાં ભણવા જવું? મોટી ઉંમરે અંગ્રેજી નિશાળમાં જવાથી નાનમ લાગે. વળી ત્યાં ખર્ચ પણ વિશેષ થાય. પાઠશાળામાં તેવું કાંઈ નહીં, ખર્ચ બિલકુલ નહીં. પુસ્તકો જોઈએ તો તેની ભિક્ષા માગી આવવાની. સીધાં પણ નિર્વાહ માટે મળે એટલે નિરાંતે ભણી શકાય. આમ બે પ્રકારના વિદ્યાર્થીઓ તેમાં જાય છે. આ શાળાઓની આખી ઉત્પત્તિ અત્યારે જે બ્રાહ્મણ વર્ગ છે તેને સંસ્કારી કરવા પૂરતી છે. હિન્દુ પ્રજાનાં ધર્મ અને સંસ્કૃતિના ખરા આશ્રયસ્થાન અને પ્રચારક થાય, હિન્દુ ધર્મ હાલ છે તેથી વધારે ઉજજ્વળ સ્વરૂપમાં પ્રસારનાર થાય, જમાનાને અનુકૂળ થાય, હિન્દુઓને તેમના સંસ્કારો સારી વિધિઓથી કરાવનાર થાય, એવા પુરોહિતો ઉત્પન્ન કરવાનો આ પાઠશાળાઓનો ઉદ્દેશ નથી, પણ દિવસે દિવસે એની જરૂર લાગતી જવાની. આર્યધર્મનું ગંભીર અને પ્રૌઢ સ્વરૂપ સમજનારા તીવ્ર બુદ્ધિશાળી વર્ગની નિરંતર જરૂર પડવાની જ. ઈતર વ્યવસ્થાઓમાં મચી રહેલી પ્રજાને માટે ધર્મનો પ્રદીપ અખંડ અને પ્રકાશોજ્વલ રાખનાર વર્ગની જરૂર રહેવાની જ. વ્યક્તિઓનાં જ્ઞાન વધતાં જશે, તેમની લાગણીઓ કેળવાતી જશે, તેમના સંસ્કારો રસિક થતા જશે ત્યારે અભણ કે અલ્પશિક્ષિત બ્રાહ્મણો જે વિધિઓ કરાવે છે અથવા મંદિરોની જે વ્યવસ્થા (દુર્વ્યવસ્થા!) રાખે છે તે સંતોષ આપી શકશે નહીં, તેવે વખતે એવા જ જ્ઞાનસંપન્ન, સંસ્કારી પુરોહિતોનો ખપ પડશે. જે આર્થિક વ્યવસ્થા ગોરોને માટે કરવામાં આવેલી છે તે મોંઘવારીના અને જિંદગીની લાલાઈના જમાનામાં ટકી શકવાની નથી. જે બુદ્ધિશાળી અથવા મહેચ્છુ બ્રાહ્મણો હશે તે ગોરપદાંનો ત્યાગ કરવાના. રહેશે માત્ર અભણ, આળસુ, ‘સંતોષી‘ કે મમતાવાળા બ્રાહ્મણો. એવાને હાથે થતી વિધિઓ કોને સંતોષ આપી શકશે? સંતોષ નહીં આપી શકે ત્યારે ધર્મ પર શ્રદ્ધા રહેશે ખરી? અને શ્રદ્ધા વગરના સંસ્કારો પરિણામે કેવી વિપત્તિ આણશે? આવા મહત્ત્વના પ્રશ્નોના વિચાર માટે ખાસ જુદી જ પરિષદ બોલાવવી જોઈએ અને સંસ્કૃત પાઠશાળાઓના અભ્યાસ, વિદ્યાર્થીઓનાં ભવિષ્ય, પાઠશાળાઓના નિભાવ ખર્ચ વગેરે વિષે ઉહાપોહ થઈ વ્યવહારુ પગલાં લેવાવાં જોઈએ.
ઑક્ટોબર ૧૯૧૬.