દલપત પઢિયારની કવિતા/સવારે...!

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સવારે...!

મારા આંગણામાંનું
ચંદનનું ઝાડ હવે મોટું થઈ ગયું છે!
આખી અગાસી ઉપર
એનો છાંયો પથરાય છે!
પંખીઓની વસાહત
એમાં કરે છે રાતવાસો!

રાત્રે
કાચની બારીઓમાં થઈને
રાતરાણી ઓરડામાં આવી
ઠાલવે છે અંધારું
અને ઠાલવે છે સુગંધી કાંપ!

પરોઢે,
કલશોર ભરેલું જાગે છે ઝાડ!

હું
ખરી પડેલાં પાંદડાં
વાળીને ઢગલી કરું છું
સવારે...!