સાહિત્ય પલ્લવ – ભાગ ૧/દૈન્ય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
દૈન્ય

ઝીણાભાઈ રતનજી દેસાઈ – ‘સ્નેહરશ્મિ’
(સ્રગ્ધરા)

હૈયું એકાન્તનું જ્યાં પલપલ ધબકે ભવ્ય ને શાન્ત મૌને,
તીરે તે જાહ્નવીને, હિમગિરિ ઉર, કો યોગી ધ્યાનસ્થ રાજે;
તેજસ્વી ને બિડાયાં નયન ઉપર તે સૌમ્ય શાન્તિ વિરામે,
તૃષ્ણા, વાંચ્છા, અતૃપ્તિ રજ નહિ ઉરમાં, બ્રહ્મ તાદાત્મ્ય જામે.
આઘાતે જાગી ઊઠી સપનથી સહસા યોગી અસ્વસ્થ ભાળે, –
સામે ત્યાં જાહ્નવીનું હૃદય દ્રવી રહી ક્રન્દતું સુપ્ત ઘાટે!
મૂએલા પુત્રને કો ગરીબ જનની ત્યાં જાહ્નવી-અંક અર્પી,
ખેંચી લૈ વસ્ત્ર પાછું મૃત તન પરથી રોતી રે! જાય પાછી!
જાગે યોગી, વિલોકે, કરથકી પડતી માળ રુદ્રાક્ષ કેરી,
સ્તંભે, કંપે દિશાઓ, અનિમિષ નયને જાહ્નવી જોઈ રે‘તી!
‘આ શું સાચું? – પ્રભો રે! મુજ જનની પરે
દૈન્યનો વહ્નિ આ શો?
મારા દેશે જનેતા ઉર નિત તૂટતાં, ધ્યાન શાં? બ્રહ્મ ત્યાં શો?
ગાજે, ઘૂમે ગિરા તે ઋષિવરતણી ને શૃંગનાં શૃંગ ડોલે,
ફેંકી માળા ઊઠે છે વિરલ સુપૂત તે કંપતું દૈન્ય ભોમે.